આમ અચાનક નજરું મળ્યાનો લાગ્યો આંચકો,
વર્ષો પછી દિલમાં તમને કળ્યાનો લાગ્યો આંચકો.
રેશમી કાળા ઝુલ્ફોની બદલે થયું ધોળું છાપરું
હાસ્યમાં આંખના અશ્રુ ભળ્યાનો લાગ્યો આંચકો.
વિચાર્યું હતું કે આ મુલાકાત ને રંગીન બનાવીશું,
ચૂપકીદી માં ચંચળતા ગળ્યાનો લાગ્યો આંચકો.
અતીતના પડદે રંગીન ચિત્રો છે હજી અકબંધ,
ત્યાં જર્જરીત ઉદાસી ખળ્યાનો લાગ્યો આંચકો.
તારા માદક નેણની વર્ષામાં અમે ભીંજાતા હરક્ષણ,
એ વરસતી મોસમમાં બળ્યાનો લાગ્યો આંચકો.
હાથની ચૂડીને બિંદિયા જાણે કરતી રહી ઈશારા,
સાદગીથી એ શણગાર ટળ્યાનો લાગ્યો આંચકો.
સારું થયું તમારી આ સચ્ચાઈ સામે આવી ગઈ,
જીવંત છે કે ચંદ શ્વાસ રળ્યાનો લાગ્યો આંચકો.
– ફાલ્ગુની વસાવડા