આખી સફરમાં કોઈપણ ન્હોતું રહ્યું સંગાથે.
રસ્તા, રહ્યો છે એટલે સદ્ભાવ તારી સાથે.
પથ્થર ઉપર દિલ કોતરીને બે લખ્યા ‘તા અક્ષર,
ત્યાં તીર દોરી નોતરી પીડા અમારા હાથે.
ફરિયાદ એને સહુ કરે છે નાની – નાની વાતે,
કોને જઈ કીધી હશે પીડા જગતના નાથે?
એહસાનનો બોજો અમે ઝૂકીને માથે લીધો,
બેડું ચડાવે જેમ પનિહારી સ્વયંના માથે.
છો આપ મારી સાથે, એ દેખીતું કારણ લાગે;
બાકી ઘણાં દુનિયાને છે વાંધા અમારી સાથે.
– રિન્કુ રાઠોડ’શર્વરી’