આજે ફરીથી સાંજ પડે, દિલ ઉદાસ છે.
છે સાથ તારો આજે, છતાં મન ઉદાસ છે.
આજે ફરીથી…
ઢળતા સૂરજની લાલી ભરી ચકચૂર છે ગગન,
આછો ઉભરતો ચાંદ ક્ષિતિજે ઉદાસ છે.
આજે ફરીથી…
હાથોમાં લઇને હાથ, બસ જોતો રહ્યો તને,
આશ્લેષમાં શ્વાસો તણા સ્પંદન ઉદાસ છે.
આજે ફરીથી…
આ શું જુદા પડી અને મળશું ફરી કદી ?
મિલનમાં હસતી આંખમાં કીકી ઉદાસ છે.
આજે ફરીથી…
પૂજ્યા’તા દેવ કેટલા તેં પામવા મને ?
દઇ ના શક્યો વરદાન, પ્રભુ પણ ઉદાસ છે.
આજે ફરીથી…
– મનોજ મુની