આશા અખંડિત ઓથની, અવતાર એવો આપજો.
આ ઓપતા અક્ષર અહીં, અણસાર એવો આપજો.
અમથા અહંના ઓરતા, આ આંખમાં ઓગાળજો,
અંત: કરણ અસ્તિત્વને, આકાર એવો આપજો.
આવાગમનની આ અલૌકિક એક અલગારી અદા,
આતમને અનુભવ આશનો, આચાર એવો આપજો.
અરમાન અંતરમાં અહો! આકાશ આંબીએ અમે,
અમને અનોખો આશરો, આગાર એવો આપજો.
આશ્રય અમોને આપનો, આસ્થા અડગ અવતારમાં,
ઓજસના અવસર આંતરિક, આધાર એવો આપજો.
ચેતના ગણાત્રા “ચેતુ”