હું નહીં માગું તમે જાતે જ આપો.
એક હોંકારો બધી વાતે જ આપો.
દીવસે કરમાઈ કે શરમાઈ જાશે.
વાત શમણાંની બધી રાતે જ આપો.
આભ પણ આપી શકો રંગીન દેજો.
તારલાની સહેજ કોઈ ભાતે જ આપો.
આપજો રાજી થઈને તો જ લઈશું.
આંખની શરમે અને નાતે જ આપો.
રોકડેથી લાગણી ચૂકવી દીધી મેં.
આપ જે આપો ભલે ખાતે જ આપો.
આપ જો કરશો કતલ મંજુર ‘રશ્મિ’.
રે બને આનંદ આઘાતે જ આપો.
ડૉ. રમેશ ભટ્ટ “રશ્મિ”