આભ ઝળુંબ્યુ ને બની ધરતી વિહવળ,
આવ…આવ… ઓ મેહુલા… શીદને વાર લગાડ.
વેરાન મનમાં ફૂટવા મથતી કૂંપણોનો,
સળવળાટ સમાયો ભીતરમાં,
ભીંજાવા મારા તનબદનને ..
ઓ મેહુલા … શીદને વાર લગાડ.
સોળે શણગાર સજવાના ઓરતા આજ,
પાલવે લીલેરી પાડવા ભાત,
કરવી છે કાયાને તરબતર,
ઓ મેહુલા… શીદને વાર લગાડ.
વાદળો ના ગડગડાટ ને વીજ તણા કડાકાસાથે,
મંદ મંદ પવનની શરણાઇ સાથે.
વરસ વરસ તું અનરાધાર.
ઓ મેહુલા… શીદને વાર લગાડ.
~ . જયશ્રી શિયાલવાલા