રાહ જોતી આંખ બોલી આયખું વીતી જશે.
જિંદગી છે ખૂબ થોડી, આયખું વીતી જશે.
કોચલાઓ ઝંખનાનાં તે રચ્યાં છે ખુદબખુદ,
આવી જો એ કેદ તોડી, આયખું વીતી જશે.
લહેર થઈને આવ તું, દઈ દે કિનારા માણવા,
ડૂબતી ઈચ્છાની હોડી, આયખું વીતી જશે.
તું નથી બસ યાદ તારી જિંદગીનો આશરો,
આવરણ યાદોના ચોળી, આયખું વીતી જશે.
રોજ ઈચ્છાના સમંદરમાં ગળાબૂડ ડૂબતી,
તે છતાં હું સાવ કોરી, આયખું વીતી જશે.
આખરી શ્વાસો બચ્યા છે, આંખ શોધે છે તને,
આવ વ્હાલમ દોડી દોડી આયખું વીતી જશે.
ઘાવ, પીડા, વાયદાને તું, દફન દિલમાં હજી,
વીતી વાતો રોજ ખોદી, આયખું વીતી જશે.
અંજના ગાંધી “મૌનુ”