સુખ પાછળ દુઃખનો ચૂપકેથી સહેવાસ આવે છે,
કેમ કરીને તૃપ્ત થઈશ ઘૂંટડે ઘૂંટડે પ્યાસ આવે છે.
આમદની છે અઠ્ઠન્નીને રૂપિયા જેટલી વાસ આવે છે,
જાહોજલાલી પૂછો તો ઊંચી એવી ડંફાસ આવે છે.
મિત્રોની એ ભરી મહેફિલમાં શત્રુઓનો પણ ક્યાસ આવે છે,
કૃષ્ણ-સુદામા બનવા માટે ક્યાં કોઈ ઉપન્યાસ આવે છે.
સફળતાઓ સર કરો તો જાતે જ પીઠ થાબડવાની,
બાળી’તી જાતને જગમાંથી બળ્યાની વાસ આવે છે.
હોમ હવન કરાવી જાણે વર્ષોની શાંતિ થઈ જવાની,
વર્ષે વર્ષે કાઢો છો તો વળી શેનો આ કંકાસ આવે છે.
તનથી છો ને જતી રહે મનથી મક્કમ રાખ જવાની,
હાથ ધરીને કેમ બેઠો કે મારો અંતિમ શ્વાસ આવે છે.
હજુ તો શરૂઆત હતી મારા મિત્રવર્તુળ વધારવાની,
જિંદગી જીવ્યા પહેલા જ જિંદગીનો વ્યાસ આવે છે.
– દેવમ સંઘવી