સુખી થવાના સાવ સાદા માર્ગ પર પ્રવાસ કર,
આ જિંદગીમાં દુઃખ નથી, એવો હવે આભાસ કર.
બસ આમ મારી ઝુંપડીમાં, તું હવે અજવાસ કર,
તારાં ઘરે આંગણ મહીં, તું રોશની ઝક્કાસ કર.
છે કોણ અંગત જિંદગીમાં, આમ નક્કી થઈ જશે,
આ આંખને તું બંધ કર, ને એક ઊંડો શ્વાસ કર.
આ કેમ છો નાં સાવ અમથા સંબંધોથી શું વળે,
તારી બધી જ વાત કરવા એક જણ ને તું ખાસ કર.
કર્યા કરી તેં સાવ અમથી જિંદગીમાં દોડધામ,
ક્યારેક તો નિરાંત કર, તું સ્થિર થઈ ને હાશ કર.
મંઝિલ મળે એનાં પહેલાં, ચાલવું પડશે જરા,
આ કાફિયા મળતાં પહેલાં, તું રદીફનો પ્રાસ કર.
શાયદ મળે ભગવાન પણ, તું શોધવા બેસે અગર,
તું આમ નક્કી કર નહીં, “શાયદ” ઉપર વિશ્વાસ કર.
દિપેશ શાહ.