આ રાગ થી વૈરાગની, ખુદ કાપવાની છે સફર,
છું પંથ હું ને હું જ મંઝિલ, જાણવાની છે સફર.
હું કોણ છું, કેવો બનું, ક્યાં વાળવાની છે સફર,
અનંત થવા બસ શૂન્ય થઈ ને, ચાલવાની છે સફર.
દર્પણ મહીં જોયા કર્યું, મોઢું હજારો વાર પણ,
હૈયા તરફ દર્પણ કરી, નિહાળવાની છે સફર.
જે પણ મળે છે તે મળે છે ફક્ત મનના ભાવથી,
સાધન અલગ છે સાધ્ય થી, તે જાણવાની છે સફર.
ક્યારે બનું ખુદ થી ખુદા, જો ખુદ મટે ખુદા બને,
બસ ખુદ બનીને નાખુદા, ખુદ માણવાની છે સફર.
~ દિપેશ શાહ