સદા અનુકૂળ એવો પવન મળે
એવું મજાનું સૌને જીવન મળે!
ગોથ ખાતા પતંગને ઓથ મળે,
ઢીલ કે ખેંચ બંન્ને સચોટ મળે,
એવું મજાનું સૌને જીવન મળે
લડાવો પેચ તો’ય ના વેર મળે,
માંગો બસ ત્રણ અને તેર મળે,
એવું મજાનું સૌને જીવન મળે!
મનમાં ના કોઇથી વેર મળે ,
રહે ઉત્સાહ પણ ના આવેશ મળે,
એવું મજાનું સૌને જીવન મળે!
કાપ્યાનો અનહદ આનંદ મળે,
કપાયાનો ના કદી રંજ મળે,
એવું મજાનું સૌને જીવન મળે!
નભમાં હોવાનું, ના ગુમાન મળે,
ભાવ સૌને માટે સમાન મળે ,
એવું મજાનું સૌને જીવન મળે!
ઊંચા આકાશ નું સંધાન મળે,
છતાં મૂળ સાથે અનુસંધાન મળે,
એવું મજાનું સૌને જીવન મળે!