કાંઈક પોતાનું કહું,
કાંઈક તમારૂ સાંભળું,
બસ, કાંઈક એવું કરીએ…
કે, એક બીજાને ગમતાં રહીએ.
તમારા દુઃખમાં મારા આસું છલકાય,
અને મારા સુખમાં તમારું હ્ર્દય નાચી ઊઠે,
બસ, કાંઈક એવું કરીએ…
કે, એક બીજાને ગમતાં રહીએ.
આંખો આંખોમાં વિદિત કરતાં શીખી જઈએ,
મનની વાતને શબ્દોની જરૂર ના પડે ,
બસ, કાંઈક એવું કરીએ…
કે, એક બીજાને ગમતાં રહીએ.
વાસણ ખણકે તોય ભેગાં રહે,
મતભેદ કદી મનભેદમાં ન બદલાય,
બસ, કાંઈક એવું કરીએ…
કે, એક બીજાને ગમતાં રહીએ.
જીવનનાં તોફાનમાં કોઈ પડખે ઊભું હોય,
હાથ પકડી, પ્રેમથી હિમ્મત આપતાં રહે,
બસ, કાંઈક એવું કરીએ…
કે, એક બીજાને ગમતાં રહીએ.
આજે સાથે છે…કાલે કદાચ ન રહીએ,
ખાટ્ટી મીઠી યાદો મુકતાં જઈએ,
બસ, કાંઈક એવું કરીએ…
કે, એક બીજાને ગમતાં રહીએ.
– શમીમ મર્ચન્ટ