એક ચહેરો તરવરે કાગળ ઉપર,
ને ઉદાસી અવતરે કાગળ ઉપર.
સ્વપ્ન જે સળગી ગયેલું આંખમાં,
રાખ બસ, એની ખરે કાગળ ઉપર.
કો’ક મારામાંથી નીકળીને પછી,
મારો પીછો આદરે કાગળ ઉપર.
શાહી પીડાને, કલમ ચિત્કારને,
કોણ કોને છાવરે કાગળ ઉપર?
દર્દને રંગે, ડૂમાઓ ચીતરે,
શું બીજું શાયર કરે કાગળ ઉપર?
એ વફાનું બેસણું રાખે, અને-
એક-બે ફૂલો ધરે કાગળ ઉપર.
માછલીની આંખ અહીં વિંધ્યા કરું!
કોઈ આવીને વરે કાગળ ઉપર.
~ હિમલ પંડ્યા