બાંધ્યો ઈચ્છાઓને પાળો, એક દિવસ એકાંતે બેસી,
કર્મોનો કર્યો સરવાળો, એક દિવસ એકાંતે બેસી,
માણ્યો શીત લહર શિયાળો,એક દિવસ એકાંતે બેસી,
લાગ્યો ઠંડીમાં હૂંફાળો, એક દિવસ એકાંતે બેસી,
બળબળતા વૈશાખી તાપે જનજન ત્રસ્ત બની અકળાતો,
સાથ સ્વજન લાગ્યો હેમાળો, એક દિવસ એકાંતે બેસી,
ટોળામાં શાને શોધો છો; આતમ સાચો સાથી યારો,
એકલતાને જાતે ટાળો, એક દિવસ એકાંતે બેસી,
જોયા તરકટ બીજાના બહુ, ખૂબ વગાડ્યા ઢોલ નગારા,
થોડું ભીતર પણ નિહાળો, એક દિવસ એકાંતે બેસી.
– પાયલ ઉનડકટ