‘શિક્ષક કે નર્સ ગામેગામ હો ન હો,
ગામદીઠ એક કવિ તો હોવો જ જોઈએ.’
હ્યુમન રિસોર્સિસના મિનિસ્ટરે નહીં,
પણ નીરોના ચાણક્યએ આ પ્રપોઝ કર્યું
ઈલેક્શન સ્ટ્રેટેજીસની મીટીંગમાં.
4 1/2 વર્ષે પત્રકારો ખબર લાવ્યા છે :
અગણિત જનસમૂહોની વાચાને આપણે છિનવી લીધી છે.
એમની કોઈ કવિતા ટેક્સ્ટ બુકમાં
કે સરકારી મુશાયરામાં સાંભળવા
મળે છે?
મીટીંગમાં સોપો પડી ગયો!
પણ દેશભરનાં વર્તમાન પત્રોમાં
પહલે પાને નેક્સ્ટ ડે ન્યૂઝ આવ્યા :
‘ પોએટ્સ વોન્ટેડ’
એનીબડી એન્ડ એવરીબડી
કેન એપ્લાય.
એજ્યુકેશન નો બાર, એઈજ નો બાર.
કાસ્ટ-ક્રીડ-સેકસ નો બાર.
દેશ ઘાંઘો થઈ ગયો –
વડનગરના ચાવાળાથી
વિસનગરની પેઢીએ બેસતો મોચી–
સૌ બેકાર-અર્ધબેકારોએ ઓનલાઈન અરજી ઠોકી દીધી.
પણ સાલુ કવિ તો કેમનું બનાય?
કવિતા તો સાહિત્ય પરિષદની કે સાહિત્ય અકાદમીની ક્રિયેટિવ વર્કશોપ્સના સાત શુક્રવાર ભરે
એને જ આવડે!
જો… બધા ડાયરા ને કવિસંમેલનમાં કેવી વાહવાહી બટોરે છે?
દેશનું જનજન
આખડીભાટકીને નિરાશ થઈ ગયું.
પંડિતો તો છૂટી પડ્યા :
મા સરસ્વતીના આશિર્વાદ સૌને કેવી રીતે મળે?
ને ઉસ્તાદોએ એ તો કહી દીધુ :
ચાવાળો કે પકોડાવાળો
પોએટ કેવી રીતે બની શકે?
યુવાઓનાં બેકાર ટોળાંઓ અડધી રાતે મારી ફેન્ટસીમાં આવી કરગરવા લાગ્યાં.
સમજાવો ને, સાહેબ :
‘કવિતા એટલે શું?’
જાવ, કવિ મનીષી જાની પાસે જાવ.
એ કહે છે :
કવિતા એટલે કવિતા.
‘કવિ લખે તે કવિતા’,
જેમ ‘લખે તે લેખક’.
આવી બેઝિક અને બ્રોડ
આવી બોલ્ડ અને બોન્ડલેસ
વ્યાખ્યા આપવાની હિંમત કે સમજ
લિટરેચરના કોઈ પ્રોફેસરમાં નહીં હોય.
અને હશે તો એ જરૂર
કર્મશીલ-કમ-કવિ હોવો જોઈએ!
ક્રિયેટીવિટી હર કોઈમાં હોઈ શકે છે
અને એની અભિવ્યક્તિની પૂર્ણ આઝાદી
હર કોઈને હોવી જોઈએ.
કવિઓ આઝાદ થઈ ગયા,
કવિતા આઝાદ થઈ ગઈ.
આત્મવિલોપન-લિંચિંગ-બળાત્કાર-બેકારી-ગરીબી-શોષણ-દમનના
કરુણ વાસ્તવની અભિવ્યક્તિનું જાણે કે પૂર આવ્યું!
હર ચૌરાહાચકલા, વસ્તીમહોલ્લા
ગામ કે શહેરના નોટિસબોર્ડ પર
પીપલ્સ પોએટ્રી છલકાવા માંડી…
અંગત ઊર્મિઓની અભિવ્યક્તિના માહેર શાયરો અને કવિઓને પણ
લાગ્યું : પવન બદલાયો છે!
પણ અફસોસ,
આ ક્રાન્તિકારી પવન સાથે મારી ફેન્ટસી પણ અચાનક ગાયબ થઈ ગઈ.
*
નીરવ પટેલ