એક પાંદડું ખરે ને પાછળ ઝાડ આખુંય રડે
તો એને છાનું રાખવું કેમ ,
એ કહેવા થોભો તો ઇરફાન
એક પાંદડામાં તે એવું શુંય હશે કે
ઝાડને આટલું વસમું લાગે
એ કહેવાને થોભો તો, ઇરફાન
આંખો ભાવને પાંખો આપે અને ભાવનું પંખી ઊડીને અભિનય ડાળે બેસી ટહુકે
એનાં ખરતાં પીંછા એની ઓળખ કેરાં પગલાં પછળ હવામાં મુકે
પીંછા સાથે આખે આખું પંખી,એના ટહુકા ,
સઘળું આમ ઓગળીને ક્યાં ચાલ્યું જાય ,
એ કહેવાને થોભો તો, ઇરફાન
વૃક્ષ રડ્યું ને આંસુ જેવું પાન ખર્યું તે
ઉદાસ થઇને જોઇ રહ્યો છે બાગ
પાનની ભીતર ધરબાયેલી રહી ગઇ છે
અણબૂઝી કોઇ આગ
ભીતર રહેલી આગની સાથે ખરી ગયેલું પાન
ફરીથી ગમતી ડાળે ક્યારે પાછું ઉગશે
એ કહેવાને થોભોને ઇરફાન ?
– તુષાર શુક્લ