કોઈ ભૂખ્યું ના સૂવે, એ તારે જોવાનું છે,
ભીતર ના કોઈ રૂવે, એ તારે જોવાનું છે.
તું વરસાવી દે અનરાધાર હજી, એ છે મંજૂર,
પણ કોઈ ઘર ના ચૂવે, એ તારે જોવાનું છે.
પીડા પોંખી લઈશું તારી કૃપા માનીને પણ,
કોઈ તો કર અશ્રુ લૂવે, એ તારે જોવાનું છે.
તડકા તગતગતા વાવી દેવાની છૂટ તને છે,
તરસ્યું ન રહે કો’ કૂવે, એ તારે જોવાનું છે.
કેમ કરી છીપાવી આકંઠ તરસ હરણાંની!
જે કાયમ મૃગજળ જુવે, એ તારે જોવાનું છે.
શ્વાસ ભરી પી ગ્યાં છે ધગધગતા રણને જે ઊંટ,
એ પ્યાસા ન મરે ઢૂવે, એ તારે જોવાનું છે.
ધોઈ નાખીશું તનની ચાદર ગંગામાં સૌ પણ,
કોણ પછી ગંગા ધૂવે, એ તારે જોવાનું છે.
શૈલેષ પંડ્યા નિશેષ