એ સુંદર મજાની પરી,બાળપણમાં રહી ગઈ.
પ્રમુખ વાર્તાની કડી,બાળપણમાં રહી ગઈ.
પછી,આભમાંથી કદી પણ ન આવ્યો-એ નીચે;
હશે ચાંદ’ની ઝાંઝરી,બાળપણમાં રહી ગઈ.
અમે ઝાડ ઉપર વંહેચાતા’તા મિલકત લચેલી;
એ આંબો-બદામ-આંબલી,બાળપણમાં રહી ગઈ.
એ સસલાં ને હરણાં થયા ભીતમાંથી પછી ગૂમ;
પિકાસોની એ આંગળી,બાળપણમાં રહી ગઈ.
હતી એમ સમજણ-છે સંસાર ઘર-ઘર.રમીશું;
એ નાદાન શી ઢીંગલી,બાળપણમાં રહી ગઈ.
અમે સાત પર્વત પછાડ્યાં,છતાં કંઈ ન તૂટ્યું;
વિજયની એ ગાભાદડી,બાળપણમાં રહી ગઈ.
ખુશીનો એ ઝૂલો હતી થાકની એ લપસણી;
એ માતાની ખોળાફળી,બાળપણમાં રહી ગઈ.
સમય એ હતો જ્યાં સમય પણ ખરીદી શકાતો;
રકમ રોકડી-સાદગી,બાળપણમાં રહી ગઈ.
મેં પૂછ્યું,તમે આમ હસવાનું ભૂલી ગયા ક્યાં ?
ખર્યા ફૂલ ને પાંદડી,બાળપણમાં રહી ગઈ.
-રાધિકા પટેલ-