પગથિયાં વિના ચઢ-ઊતર રોજ કરવી;
કશે ના પહોંચો સફર રોજ કરવી.
ભલે દીર્ઘદૃષ્ટિ મળી હો છતાં પણ
જરાં આજુબાજું નજર રોજ કરવી.
જ્યાં પગલું પડે ત્યાંથી ઝરણાં વહે તો
સ્વયં ખળખળીને અસર રોજ કરવી.
નથી કોઈ બંધન, નથી કંઈ જ ચોક્કસ–
ગમે ત્યાં સટર ને પટર રોજ કરવી.
પુરાવો જિવનનો સતત આપવાને
લખું છું, લખીશું ખબર રોજ કરવી.
પરમ ચિહ્ન સૌભાગ્યનું એજ લાગે
લીલી લાગણીને સભર રોજ કરવી.
જરાં ચાલતાં રસ્તે ચૂમ્યાં કરે વૃક્ષ
એવી બેઉં બાજું ડગર રોજ કરવી.
~ ગુણવંત ઉપાધ્યાય