પળપળ શ્વસું હું શ્વાસમાં એ યાદનો કિસ્સો કહું,
અતિત બની છે ના કદી એ રાતનો કિસ્સો કહું.
આકાશને આંબી જવાના લઇને શમણા આંખમાં,
અડધી ઉડાને જે તૂટી એ પાંખનો કિસ્સો કહું.
બેઠા હતા જે બાંકડે સાવજ લગોલગ આપણે,
આતુર નયનથી રાહ જોતા બાગનો કિસ્સો કહું.
ના શબ્દ ના પડઘા હતા, ના આંખથી વાતો હતી,
એવા અનોખા મૌનના સંવાદનો કિસ્સો કહું.
વાછટના ફોરે ભલે ભીના થતાં સૌ ભીતરે,
વરસી શક્યો જે ના કદી, વરસાદનો કિસ્સો કહું.
વિભા કિકાણી