કેમ કહું કે દીકરી, તું છે
પારકા ઘરની થાપણ
દીકરી, તું છે માની આંખની
ભીની ભીની પાંપણ
તને કેમ કહું કે જા
દીકરી, હું છું તારી મા
આંખ અને આંજણ તો જૂદાં થાય
ફરી અંજાય
આંખ અને પાંપણ તો અળગાં થાય
અને હિજરાય
કેટકેટલાં સ્મરણો આવી ઊભાં આજે આંગણ
દીકરી, તું છે માની આંખની
ભીની ભીની પાંપણ
તને કેમ કહું કે જા
દીકરી , હું છું તારી મા
આંખથી પાંપણ વેગળી રહે તો
સપનાં સૂનાં ઝૂરે
ફૂંક વિનાની વાંસળી સૂની,
ગાશે કોના સૂરે ?
ડૂસકું થઇને શબ્દ ઉભો છે,
રુદિયામાં રુંધામણ
દીકરી, તું છે માની આંખની
ભીની ભીની પાંપણ
તને કેમ કહું કે જા
દીકરી, હું છું તારી મા
– તુષાર શુક્લ