કેમ છાપા સનસનાટીથી ભરાવા જોઈએ?
ફૂલ ખીલ્યાનાં સમાચારો છપાવા જોઈએ.
હું તને પૂજું ખુશીમાં, પણ ઉદાસીમાં નહીં
મારી શ્રધ્ધાનાં બીજા કેવા પુરાવા જોઈએ?
કલરવોમાં વાત એની કેમ સમજાતી નથી?
કેમ ઈશ્વરને સમજવા સાધુ બાવા જોઈએ?
કોઈ બીજા તો તમારાં ક્યાં અહીં દુશ્મન બને?
હા તમારાથી તમારા ઓળખાવા જોઈએ.
માણસાઈ ત્યાં ઉભી છે, દોડ ને ભેટી જ પડ,
એટલાં પગલા તો તારાથી ચલાવા જોઈએ
આ જગતમાં કઈ રીતે માણસ હવે માણસ બને?
પ્રશ્ન એવાં પણ પરીક્ષામાં પૂછાવા જોઈએ
કોઈને પણ કામ આવે, જિંદગી જીવી જવા;
શેર મારાથી અહીં એવા લખાવા જોઈએ.
ગૌરાંગ ઠાકર