કૈક ઘટના દાબી છે,એની આ કહાણી છે,
આંખમાં જે પાણી છે, એની આ કહાણી છે.
જેના રક્તમાં કાયમ દેશ દાઝ મહેકે છે,
ખોરડે ખુમારી છે,એની આ કહાણી છે.
ખારવણની આંખોમાં આઠ આઠ દરિયા છે,
તો’ય પ્યાસ લાગી છે, એની આ કહાણી છે.
કેટ કેટલા સાંધા આ હ્ર્દયમાં મારીશું,?
લાગણી વીંધાણી છે, એની આ કહાણી છે.
હા,અમે આ સૂરજ પર એક-બે ગઝલ લખવા,
રાત રણમાં ગાળી છે, એની આ કહાણી છે.
મેહુલ ગઢવી ‘મેઘ’