કેવો રૂડો છે અવસર, હું તું ને કોફીનો કપ,
વાદળ પણ વરસે ઝરમર, હું તું ને કોફીનો કપ.
તારી નજરોનો હૈયે ભીનો સ્પર્શ થયો તો’,
ભીંજાયા બેઉ પરસ્પર, હું તું ને કોફીનો કપ.
સાજન, આ પળ લાગે દિલને મારા પ્યારી પ્યારી,
રોકે રોકાય ના દિલબર, હું તું ને કોફીનો કપ.
વરસાદી માહોલ, ધબકતા હૈયા, ઢળતી સંધ્યા,
મોસમ કર સઘળું સરભર, હું તું ને કોફીનો કપ.
ટેબલના ખૂણે વાત થતી પ્યાર ભરી આંખોથી,
વાત હવે તુજ પર નિર્ભર, હું તું ને કોફીનો કપ.
ચેતના ગણાત્રા ‘ચેતુ’