(રાગ: ભીમ પલાસ, તાલ: ખેમટો)
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે,
માએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે.
મા ચાંપા તે નેરના ચાર ચૌટા મા કાળી રે,
સોનીએ માંડ્યાં હાટ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …
મા સોનીડો લાવે રૂડાં ઝૂમણાં, મા કાળી રે,
મારી અંબા માને કાજ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …
મા માળી તે આવે મલપતો, મા કાળી રે,
એ તો લાવે છે ગજરાની જોડ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …
મા કુંભારી આવે મલપતો, મા કાળી રે,
એ તો લાવે છે ગરબાની જોડ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …
મા સુથીરી આવે મલપતો, મા કાળી રે,
એ તો લાવે છે બાજઠની જોડ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …
મા ગાય શીખે ને સાંભળે, મા કાળી રે,
તેની અંબા મા પૂરજો આશ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …
– વલ્લભ ભટ્ટ