હજી પણ નિતનવા લેતું રહ્યું અવતાર ઘરચોળું
વટાવી કેટલા સાગર ઉતરશે પાર ઘરચોળું
અખતરો છે પ્રથમ,ને મેદની જામી છે હકડેઠઠ
ભજવશે આજથી કૈં કેટલા કિરદાર ઘરચોળું
ભર્યા મેં ભાતમાં પોપટ હુનર દેખાડવા માટે
થયું ફફડાવી પાંખો ઉડવા તૈયાર ઘરચોળું
પટોળા ભાત જેની ફાટવાથી પણ ફિટે નહીં એ
પટારામાં સૂતું છે ખાંસતું બીમાર ઘરચોળું
કરે ના ભેદ, અવસર ચોરીનો હો કે ચિતાનો હો
રહી નિસ્પૃહ બંનેનો બને શણગાર ઘરચોળું
હતા પહેલાથી ત્યાં ખેતર ગિરે મૂક્યાંના કાગળિયા
પડ્યું છે છાજલી ઉપર વધારી ભાર ઘરચોળું
બહુ મોટો હતો સોદો, પતાવટ સ્હેજમાં થઈ ગઈ
જરા સિંદૂર, મંગળસૂત્ર, બે ફૂલહાર,ઘરચોળું
ભલેને સ્વપ્નમાં જોયું છે,જોયું એ હકીકત છે
ઝુક્યા જ્યાં પર્વતો, ઉભું રહ્યું ટટ્ટાર ઘરચોળું
લિપિ ઓઝા