ઘર કેરા માળામાં રહેતી ચરકલડી
ફફડાવી નાનેરી પાંખ
માળો મેલીને ઊડી ચાલી ચરકલડી
જઇ બેઠી આઘેરી ડાળ
હવે માળો સૂનો ને ભીની આંખ
ચકલી , ઊડી ગઇ ફફડાવી પાંખ
ઓરડામાં ઓઢણીનો થાતો આભાસ
મને વળી વળી આવે તું યાદ
ભીંતે સોહે તારાં કંકુના થાપા
એ આંખ્યુંમાં ઘેરે વરસાદ
મારી આંખ્યુંમાં વળી જાતી ઝાંખ
ચકલી ઊડી ગઇ ફફડાવી પાંખ
આંગણાની ધૂળ માંહી ગોતું છું દીકરી હું
પગલાંની ક્યાંક મળે છાપ
સઘળું સમેટી તું તો ચાલી ગઇ મીઠડી
ઓસરીમાં ઊભો ચૂપચાપ
મમ્મી ઊભી છે ઝાલી બારસાખ
ચકલી ઊડી ગઇ ફફડાવી પાંખ
જમવા બેસું ને મારા હાથમાં રહી જાય હજી
અમૃત કોળિયાનો તારો ભાગ
આઘે તો આઘેથી , મનમાં ને મનમાં પણ
એકવાર હેત કરી માંગ
મારો ભોંઠો પડે રે દીકરી , હાથ
હવે માળો સૂનો ને ભીની આંખ
ચકલી ઊડી ગઇ ફફડાવી પાંખ
– તુષાર શુક્લ