ચાલો તળેટી જઇ ભભૂતી ચોપડી આવીએ
એવા અલખનાં રંગના મેળે ફરી આવીએ
ચાલો ધખાવીએ ધુણી ને જાતને હોમીએ
ફૂકી ચલમને જાત લઇ આભે ઉડી આવીએ
સંસાર ભૂલીને કમંડળ હાથમાં લઇ નીકળ
જોગી જટાળૉ થઇ મલક આખુ ધૂમી આવીએ
ભૂલી જજે તું મોહમાયાનાં બધાં કામણને
શિવની સમીપે કામનાં સારી ભૂલી આવીએ
હાલો વગાડી,શંખ,મંજીરા ભજન ગાઇએ
કરતાલ જાલી મૌજનાં દરિયા તરી આવીએ
સારા અભરખાઓ તું ખંખેરીને થઇ જા ખાલી
બાકીનું દેણું શબ્દ ભારે ચૂકવી આવીએ
તું જીવને શિવ સાકળીને જોઇ લે રંગત શું
અલગારની મસ્તીને બે હોઠે ચૂમી આવીએ
શબ્દોનાં જોગીઓ જનમ પામ્યા છે એ ગિરનારે
એવી ધરાનાં રજકણૉને જઇ પૂજી આવીએ
છોડી દીધો હોવા-પણાનો મોહ બાવાઓ થઇ
ત્યાં ટોચનો સાચો મહિમાં શું પૂછી આવીએ?
ગિરનારની માયા મને લાગી તો એવી લાગી
એમજ મને લાગે કે પાછા ત્યાં ધસી આવીએ
મારી મહોતરમાંના કામણમાંથી થઇ જાવુ મુક્ત
ક્યારેક લાગે કે ઉપરકોટે મૂકી આવીએ
– નરેશ કે.ડૉડીયા