ચાલ ને પડતું મૂક હવે ફળવાનું! કહીને આવ્યો છું
સપનાને આજે સાવ જ ઉઘાડું કહીને આવ્યો છું
રોજ આ સામે આવી સંતાવાની રમતથી થાક્યો’તો
ચાહું છું તમને – એવું પરબારું કહીને આવ્યો છું
જો અસમંજસમાં બેઠું બે હાથે માથું પકડીને!
અળવિતરા મનને હું એક ઊખાણું કહીને આવ્યો છું
એની સામે ટેવ મુજબ બે હાથ તો જોડી દીધા, પણ
હું ગુસ્સામાં એને ના કહેવાનું કહીને આવ્યો છું
ચાલ, અરીસામાંથી નીકળ બ્હાર, ને ગમતી વાતો કર
ખૂણા પરની કીટલીએ બે ચાનું કહીને આવ્યો છું
: હિમલ પંડ્યા