જગતના ચોકમાં ડહાપણ ન સમજાયું ન સમજાશે,
નજીવું સત્ય કોઈને ન પરખાયું ન પરખાશે.
વહી જાશે હરખ કે શોકના સઘળા પ્રસંગોમાં,
મજાનું આંખમાં અશ્રુ ન સચવાયું ન સચવાશે.
ધીરજનું માન રાખ્યું છે અમે બોલ્યા વગર કાયમ,
અમારું મૌન જીભેથી ન ઠલવાયું ન ઠલવાશે.
હથેળી પર હતું વરસોથી મારી આંખની સામે,
અઢી અક્ષરનું સરનામુ ન વંચાયું ન વંચાશે.
કહ્યું’તું આવજો એણે, કહી દીધું નહીં આવું,
ગઈ એ રાતનું સપનું ન વિસરાયું ન વિસરાશે.
ભલે દોડે અવિરત ન્યાય કરવા સત્યના પંથે,
ખરું ખોટું કદી કારણ ન પકડાયું ન પકડાશે.
– રાણા બાવળિયા