જળ વડે ત્યાં મેં રણમાં કુંડાળા કર્યા.
ઝાંઝવા નામે તેં જ્યાં ઉઝરડા કર્યા.
આખો કાગળ પછી એવો સળગી ગયો,
શબ્દ મેં જ્યાં જરા આગ ઝરતા કર્યા.
શીખી લીધો તેં હુન્નર પછી મૌનનો,
બંધ આંખો કરી, કેવા પડદા કર્યા.
પ્રશ્ન ક્યાં કોઈ અઘરો મેં પૂછ્યો હતો,
એક ઉત્તર ના દીધો, લિસોટા કર્યા.
ખળભળે ભીતરે એવો લાવા હવે,
લોહી બાળી મેં અમથા ધુમાડા કર્યા.
પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’