જાશું, જઈને મોતથી પંજો લડાવશું,
મળશે સમય તો આપની મહેફિલમાં આવશું.
તમને અમારી આંખની કીકી બનાવશું;
એમાં અમારા પ્રેમની વસ્તી વસાવશું.
નયનોને દ્વાર અશ્રુનાં બિંદુ જો આવશે,
પાંપણમાં ટાંકી મોતીનાં તોરણ બનાવશું.
અપમાન સાથ કાઢો છો ઘરમાંથી આજ, પણ,
આંસુ બનીને આપની આંખોમાં આવશું.
નાદાન શત્રુઓ અને નાદાન સ્નેહીઓ,
ઓ જીવ, જીવવાની મઝા ક્યાંથી લાવશું ?
આવી જુઓ તો આપને સત્કારવાને કાજ,
બીજું નથી જો કાંઈ તો આંખો બિછાવશું.
‘શયદા’ જીવન-રમત મહીં એ પણ ખબર નથી,
શું શું ગુમાવી દીધું છે-શું શું ગુમાવશું ?
‘શયદા’