હવે એ રીતથી મારી વ્યથા જીવંત રાખી છે,
તૂટેલા કાગળે તારી કથા જીવંત રાખી છે.
અને એકાંતમાં જો ને અહીં છોડી મને તેં પણ,
પુરાણી આશિકીની એ પ્રથા જીવંત રાખી છે.
તમારા ભાગનો સમય હજુ એકાંતે વિતાવીને,
અમે એ રીતથી પણ વફા જીવંત રાખી છે.
બુઢાપે પણ અરીસે કેમ બેઠા છો તમે બોલો?,
વિતેલી ઉંમરે શું હજુ અદા જીવંત રાખી છે?
જુઓ કેવા ઘમંડે એ ચડી બોલી રહ્યા તેઓ,
સ્વયંના દાનથી જાણે હવા જીવંત રાખી છે!
અહીં તો માણસો જીવંત છે સૌ જો દવા ઉપર,
અને છીએ અમે જેણે દવા જીવંત રાખી છે.
થશે જ્યારે મરણ તો આંખ ના સળગાવશો ‘અદ્ભુત‘,
છબી તેમાં જ કોઈ ઉમદા જીવંત રાખી છે.