જીવતર નામે ઝંઝાવાત ?
હા ભૈ, જીવતર નામે ઝંઝાવાત.
સાવ ઉઘાડી જાત ને એમાં ભાત-ભાતની ઘાત,
હા ભૈ, જીવતર નામે ઝંઝાવાત.
કિલો એકના માણસ માથે દસ-દસ મણનો ભાર,
આવી સઘળી પળોઝણોમાં કેમે ઉતરવું પાર,
થાકી, હારી બેસી ગ્યા તો નક્કી આપણી માત,
હા ભૈ, જીવતર નામે ઝંઝાવાત.
સ્હેજ અમથા લેણાં સામે આખું પોત ધરવાનું,
ભડ ભડ હૈયું સળગે તોય ઉપરછલ્લું ઠરવાનું,
ને એમાં કંઈ જો બાકી રહે તો વાગ્યા ઉપર લાત,
હા ભૈ, જીવતર નામે ઝંઝાવાત.
જાનવી ઉંડવિયા