નીતર્યું આંસુ એક, મિચાઈ આ પલકો જ્યાં,
સાવ જ પારદર્શી લાગે એતો બસ પાણી,
કોઈ ના વાંચી શકે એની ભાષા, દુઃખનું એ કે છે એ સુખનું?
ટપક્યું ઝાકળબિંદ, ખૂલ્યું આ પુષ્પ જ્યાં,
સાવ જ પારદર્શી લાગે એતો બસ પાણી,
કોને સમજાય એનો અહેસાસ, લાગ્યું એને વસમું કે પછી પ્યારું?
ભેટી ભીની વાછટ, ગાયું સંગીત દરિયે’ જ્યાં,
સાવ જ પારદર્શી લાગે એતો બસ પાણી,
કેમે ના સમજાય એવી ખારાશ, ખોબલે ખોબલે રડ્યો કે પછી હસ્યો?
ભાંગી આ ભ્રમણા, ભીતર પ્રગટ્યો દીપ જ્યાં,
સાવ જ પારદર્શી લાગે જ્યોત બસ જ્ઞાનની,
છે આ જીવનની ઘટમાળ ‘ગીતા’, તડકા પછી છે મીઠી છાંયડી.
ડૉ ગીતા પટેલ.