જીવન સંધ્યા એ, જિંદગી ઠેબે ચડે છે,
ઠોકર ખાતા ચશ્માં, છાનામાના રડે છે.
આ ધ્રૂજતી લાકડી ને લડખડતા કદમો,
ધીમે ધીમે પગથિયાં, પીડા ના ચડે છે.
ઝેરના ઘૂંટડા ભર્યા છે જબરદસ્તી થી,
હવે તો પંડ ના પડછાયા પણ નડે છે.
ના કોઈ સહિયારો , ના કોઈ સથવારો,
એકલતાના આરે ,ભરતી દુખોની ચડે છે.
દિવસ આખો નીકળી જાય,ઓશિયાળો !
રાત પડે ને યાદોના ધાડા, ઉતરી પડે છે.
હમસફર હતા તે હાલ્યા ગયા, હાથ છોડી !
તૂટી સારસ જોડી, માથા પછાડી ને રડે છે.
મિત્ર,આત્મા તો ઉડી ગયો છે,પિંજરમાં થી,
મારી નજર સામે જાણે,મારી લાશ રખડે છે.
વિનોદ સોલંકી “મિત્ર “