ઘણી જીવંતતા લાગ્યા કરે છે જૂની બારીમાં,
ઘણાં લોકોને એણે સાથ આપ્યો છે ઉદાસીમાં.
ઘણી મહેનત પડે છે દોસ્ત આંખોની તલાશીમાં,
જવાબો શોધવાના હોય છે જ્યાં મૌન વાણીમાં.
અમારા તન અને મન એક જગ્યાએ ઉપસ્થિત છે,
તમારી સાથે હોવું એટલે હોવું સમાધિમાં.
સ્મરણનો આ ખજાનો કોઈ પણ લૂંટી નથી શકતું,
ફરક ક્યારેય પડવાનો નથી આ બાદશાહીમાં.
કશા કારણ વિના નિંદા તમારી થાય સંભવ છે,
જુદી રીતે વધારો થાય છે ક્યારેક ખ્યાતિમાં.
નથી માથા ઉપર તૂટી પડેલાં આભનો કંઈ દોષ,
હતો તૂટી પડેલી હામનો ફાળો તબાહીમાં.
કિરણસિંહ ચૌહાણ