જેવી મળી છે એવી માણી છે જિંદગી ;
તેથી, ઘણી નજીકથી જાણી છે જિંદગી.
તેથી, ઘણી નજીકથી જાણી છે જિંદગી.
ઝાંકીને એમાં જોયું, ત્યારે ખબર પડી –
દર્પણ ની જેમ મૂંગી વાણી છે જિંદગી.
જાણી શકાયું એટલુ, એની નિકટ રહી ;
જેવી મેં જાણી એવી અજાણી છે જિંદગી!!!
તાણો વધુ ન મિત્રો, નહિતર તૂટી જશે ;
તાણી શકાય એટલી તાણી છે જિંદગી.
જે પાત્રમા ઢળે એ, એનુ જ રૂપ લે !
પાણી છે જિંદગી હા ! પાણી છે જિંદગી.
તેથી તો મૂળ રંગમા માણી શક્યા નહીં –
ખોટા અનેક રંગે રંગાણી છે જિંદગી.
દુનિયા છે એક સુંદર હંગામી સલ્તનત,
રાજા જ્યાં એનો હું છું રાણી છે જિંદગી.
આવ્યું જ્યાં મોત ‘ કાયમ ‘, ચૂપચાપ ચાલી ગઈ ;
કેવી ચકોર, કેવી શાણી છે જિંદગી.
કાયમ હજારી