જે ક્ષણોએ સાંજ સોનેરી ધરી,
એક કૂંપળ ચાહનાની પાંગરી.
કસ ભર્યો અહેસાસનો મેં ભીતરે,
રોજ થોડો શ્વાસમાં લઉં છું ભરી.
આંખની વાચા થઈ છે બોલકી,
હોઠ પરથી શબ્દ લીધા તેં હરી.
ઊંઘતા ને જાગતાં ચોમેર તું,
આ સફર કેવી તેં મુજમાં આદરી.
આમ ના તું ઉઠ, અધૂરી છે રમત,
જીતવાનો પણ ભરમ છે આખરી.
કર કસોટી ના તું આવી પ્રેમમાં,
તન મિનારે ક્યાં બચી છે કાંગરી!
કેમ ત્યાં સંવાદ મારે સાધવો?
મૌનનું તું આવરણ લે આવરી.
પૂર્ણિમા ભટ્ટ