સમય ના આપણો આજે ભલેને તોય ડરવાનું નહિં,
ફરીથી આવશે એ હાથ જોડીને, સરકવાનું નહિં;
ખુમારી રાખજો હારી રમત જીતી જશો એ નક્કી!
તમે ઝાકળ બનો તો પાંદડાને પણ અડકવાનું નહિં,
ભરો જો હાજરી જ્ઞાનીજનોની મૌન પાળી લેજો,
ઘડો ખાલી બની હળવા ટકોરાથી ખખડવાનું નહિં,
મળે ના આશરો ખોરાક કે તૃષા ના છીપાવે જે,
બગીચે પાંખ ફેલાવી હવે પંખી ફરકવાનું નહિં,
બનો ના રામ કે ના શ્યામ, ના બનજો તમે ગાંધીજી;
કદી વ્યક્તિત્વ રાખી શૂળ માફક પણ ખટકવાનું નહિં,
ફરીથી આવશે એ આશ સાથે જીવજો જીવન,
ઝબોળી જાતને વ્યાધી વમળમધ્યે અટકવાનું નહિં,
નગારાં મોતનાં વાગે સનાતન સત્ય સ્વીકારી લો,
મર્યા પહેલા નિરાશાને વરી જાતે મરવાનું નહિં.
પાયલ ઉનડકટ