ઈસુ ઉપર ફેંકાયેલા પથ્થર તપાસ કર,
લોહી વડે લખાયેલા અક્ષર તપાસ કર.
ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સિઝરની પીઠનું ખંજર તપાસ કર.
ટૂંકી ને ટચ છે બંધ એમાં એક વેદના,
આ કાચની કરચને સવિસ્તાર તપાસ કર.
મુજ નામની વિશાળ ઈમારત કને જઈ,
મળવું જ હો મને તો તું અંદર તપાસ કર.
-હેમેન શાહ