આયાસ મારો લઈ જશે તારા સુધી,
વિશ્વાસ મારો લઈ જશે તારા સુધી.
અણસાર ના કોઈ હવે મળવા તણો
પણ શ્વાસ મારો લઈ જશે તારા સુધી.
શબ્દો બધા ઊભા રહ્યા છે રાહમાં,
બસ પ્રાસ મારો લઈ જશે તારા સુધી.
ચાલ્યા કરું, રણના વલયની અટકળે,
આભાસ મારો લઈ જશે તારા સુધી.
વાંચી લીધો છે મેં તને તારા વિના,
અભ્યાસ મારો લઈ જશે તારા સુધી.
પૂર્ણિમા ભટ્ટ