મારી જરૂરિયાતોની ગણનામાં બીજું કંઈ જરૂરી નથી,
બસ તારી ખુશી જ છે જરૂરી, બીજું કંઈ જરૂરી નથી.
આપણા દિલ એક થયા, એ વાતની સદા ખુશી રહે છે,
મન મળ્યા ને !, હવે આપણું એક થવું કંઈ જરૂરી નથી.
કિસ્મતની વાતને કિસ્મત પર જ છોડી દીધું છે મેં તો,
હમરાહી ! આપણી મંજિલનું મળવું કંઇ જરૂરી નથી.
સમજુ છું ને અનુભવું પણ છું હું તારી મજબૂરીઓને,
મૌનને પણ સમજુ છું હું, તારું કહેવું કંઇ જરૂરી નથી.
તારાં પ્રેમને બખૂબી જાણું છું હું અને તેને માણું પણ છું,
ક્યારેય પણ તારે, તેને સાબિત કરવું કંઇ જરૂરી નથી.
ચાહત છે તારાં દુઃખમાં સહભાગી થઈ રાહત દઉં જરા,
હંમેશા માટે, તારે જ બધું દુઃખ સહેવું કંઈ જરૂરી નથી.
મિઠડી યાદોની સદાબહાર, મન આંગણ પર રહે સદા,
હવે, નવી સ્મૃતિઓની કુંપણોનું ફુટવું કંઈ જરૂરી નથી.
લાગણીનો સંબંધ સદા રહેશે શ્વાસ છૂટયા પછી પણ,
તેના માટે પણ, એકમેકનું સાથે રહેવું કંઈ જરૂરી નથી.
તારો જ રહીશ હંમેશા માટે, મનને તો બસ તું જ ફાવે,
‘અક્ષ‘ માણસને મોસમ જેમ બદલવું કંઈ જરૂરી નથી