ભીડમાં એકાંતનો મારો ન કર
તું સમંદરને વધું ખારો ન કર
આયખું તો આયખું છે આખરે
આયખાને માણ વેઢારો ન કર
સત્યને સળગાવવાની જીદમાં
આંખને બાળીને અંગારો ન કર
આવ આવી બેસ બે પળ વાત
આમ દોડમદોડ પરબારો ન કર
ગામ પણ ગામેતરે નિકળી પડે
ગામમાં એવો કોઈ ધારો ન કર
~ .ચંદ્રેશ મકવાણા “નારાજ”