સૌ પ્રત્યે રાખો રહેમ, તો ઈશ્વર મળે,
જીવો, સંતોએ કહ્યું તેમ, તો ઈશ્વર મળે.
ઝેર, સાપ, વાઘ; બધું થઈ જશે નકામું,
મગ્ન બનો મીરાંની જેમ, તો ઈશ્વર મળે.
કામ કરો, ચિંતા છોડો, રહો એના આધિન,
ભજો, નરસિંહ ભજ્યા એમ, તો ઈશ્વર મળે.
બચાવે હજાર હાથવાળો, ભરોસો તો રાખો!
પ્રહ્લાદની જેમ રાખો નેમ, તો ઈશ્વર મળે.
‘સાગર’ ધ્રુવ, બોડાણો, સૌ કોઈ પામ્યા,
રાધાની જેમ કરો પ્રેમ, તો ઈશ્વર મળે.
– ‘સાગર’ રામોલિયા