1. મરણનું પદ.
રે અંધારું પૂંઠે ફરતું
કોરી ચાદરમાં ઘરને ખૂણે અજવાળું મરતું
મરવું જાણે ધૂબાકો જે
બન્ને કાને બ્હેરો,
આંખોમાં ઘૂંટી તરસોનો
છળ છળ થાતો ચ્હેરો.
ગરગડિયેથી ઉતર્યું હૈયું કેવળ ગર…ગર કરતું
ગોખે મૂક્યો દીવો કોના
અંધારાંને તરસે?
ઘર,મેડી ને ફળિયું રાણો
દીવો થૈને કણસે
ઢોચકે બાંધ્યા ધૂમાડે ઘર ઝાંખું ઝાંખું બળતું
2.ઘસડબાવાનું પદ.
સપને જેની રઝળે ઠેસો
તમે ઘસડબાવાનું ચપ્પલ પ્હેરી ના લેશો.
જ્યાં ત્યાં રસ્તા માટે ખોદે
પળનાં કૈં પ્હાડો,
દડબડ કોના ચરણ પખાળે
બાવાજીનો વાડો?
અમથું ક્યાં પૂછે છે બાવો ચપટી ગાંજો લેશો?
પગથી પાઘડિયે વળતી
કૈં જાતરાની ધૂળ,
બાવો બેઠો ખંખેરે છે
બે પગરખાં ધરમૂળ.
બાવો કહે રામ કપાસીથી અધિક કૈં ના દેશો.
3.તરસનું પદ.
જળ ક્યાં બેઠું છે મોભારે?
રે ઘરને ખૂણે બેઠી ખોખર તરસો પોકારે
કૂવો બેઠો ભાંડ ભુવો
તરસોને છલકાવે,
ડાકણશાકણભેંસાસુર
છબછબવા ઘરઘાવે.
પળનું બેડું કાણી જીભે ખળખળતું ખોંખારે?
ભીંતો વચ્ચે ઘર ખૂલ્યું ને
ચકલી શોધે માળો,
તરસોને સીમાડેથી કૈં
બળતી આવી ઝાળો.
રે કોની બે ઠાલી નજરો આભ વરસતું ધારે?