થોડા સમયની વાત છે, તું સાચવીને ચાલજે.
આ તો પ્રલયની વાત છે, તું સાચવીને ચાલજે.
ઝખ્મો હશે, પીડા હશે, ને લાગણીના ઘા હશે,
આ તો પ્રણયની વાત છે, તું સાચવીને ચાલજે.
તૂટ્યા પછી સંધાય ના, ટુકડા’ય ના વીણી શકો,
આ તો હ્રદયની વાત છે, તું સાચવીને ચાલજે.
તું ઉંબરો ઓળંગવાની વાત મૂકી દે હવે,
તારા જ ક્ષય ની વાત છે તું સાચવીને ચાલજે.
કાં તો દફન થાવું પડે, કે રાખ થઈ જાવું પડે
અંતિમ વિલયની વાત છે તું સાચવીને ચાલજે.
– સુનિલ ધનગર” મુસાફર સૂર્યપુરી”