સુખનું આવવાનું થાય ને દુ:ખનું જવાનું થાય
તે દિવસે દુઃખ ને પણ દુઃખ થાય !
ઝુંપડા ના સ્થાને મહેલ રચાય,
ને સંતોષના સ્થાને લાલસા રોપાય
જમીન ઉપર બેફિકર પોઢી જનારો, આખી આખી રાત ઓરડામાં નિંદ્રાહીન વિચરતો થાય
તે દિવસે દુઃખને પણ દુઃખ થાય !
જુના દિવસોના સાચા મિત્રો વિસરાય,
નવા મોંઘેરા મિત્રો માટે કાચની થાળીઓમાં ભોજન પીરસાય!
માનવ મહેરામણ ના હોય મેળા, ને તો પણ પોતાનું કોઈ ના દેખાય
તે દિવસે દુઃખને પણ દુઃખ થાય !
ભગવાન ની પ્રાર્થના સાચા હૃદયથી ના થાય,
આડંબર લઇ દેવસ્થાને જવાનુ થાય
બધા ધર્મ નું પાલન થાય, પણ દેવ નો સાક્ષાત્કાર ના થાય
તે દિવસે દુઃખને પણ દુઃખ થાય !
વગર સુવિધાએ થયેલા પ્રેમ સાથે અણગમો થાય,
નવી નવી ભેટો આપી ઊજળા શરીરથી સંબંધ સ્થપાય
શરીરસુખના અંધકારમાં રૂહેથી વફાનોં ઊજાસ અલોપ થાય
તે દિવસે દુઃખને પણ દુઃખ થાય !
બુરહાન કાદિયાણી