નજરો મળી જ્યાં આપની દિલમાં થયો ધબકાર છે.
સ્પર્શ્યા તમે ને લાગણીનો ત્યાં થયો શણગાર છે.
ભીંજાવું છું પ્રત્યેક શ્વાસે શ્વાસમાં હું આપના,
થ્યો ઐક્યતાનો બેઉમાં લાગ્યો મને અણસાર છે.
માની લીધું કે દૂર બંને તો છીએ ને તે છતાં,
બંને હૃદયને જોડતા લાગે જ ક્યાં કંઈ વાર છે?
તારી નહીં ચાલી શકે મારી નહીં ચાલી શકે,
સંબંધમાં તો પ્રેમની ચાલી શકે સરકાર છે.
ખૂટ્યો નથી ખૂટશે નહીં અણમોલ છે સર્વસ્વ છે,
યાદો રૂપી મેં પણ ભર્યો તે પણ ભર્યો ભંડાર છે.
સંસારને પામી શકે ક્યાં કોઈ પણ નિર્બુદ્ધ જીવ?
બસ એ જ મારો નાથ બસ એ જ તો ભરથાર છે.
જો પાપ વધતાં જાય છે તો માત્ર એનો એક ઉપાય,
શ્રીરામ કે શ્રીકૃષ્ણને લેવો પડ્યો અવતાર છે.
ધીરે-ધીરે ગબડ્યો હતો સાગરના ઊંડાણે સતત,
શિવલિંગ જેવા ‘શિલ્પ’નો જોને થયો આકાર છે.
– શિલ્પા શેઠ “શિલ્પ”