ધરતીને કોઈ શ્રાપ છે કે શું?
કે પછી સૌના પાપ છે કે શું?
શ્વાસના પાંદડા ખરે લીલા,
કોઈ તેજાબી તાપ છે કે શું?
ઝાડનું કોણ માપે ઓક્સિજન,
એની પર આજ કાપ છે કે શું?
ડંખ મારે છે છાતી પર સીધો,
આ હવા ઝેરી સાપ છે કે શું ?
આપણે બહુ ગુમાનમાં જીવ્યાં,
આપણો કોઈ બાપ છે કે શું?
વાસના, દંભ, લોભ ને લાલચ,
માનવી તારી છાપ છે કે શું?
એ દબાવે ને શાંત ‘સાગર’થાય,
હાથમાં એની ચાપ છે કે શું?
રાકેશ સગર